Botad extortion controversy: બોટાદ જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ તોડકાંડ સામે આવ્યો છે, જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ અને પોલીસ પ્રશાસનની સીધી સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એબીપી અસ્મિતાના લોકપ્રિય કાર્યક્રમ 'હું તો બોલીશ'માં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદના કલ્પેશ મીઠાપરા નામના યુવક સાથે થયેલા લાખો રૂપિયાના તોડકાંડનો મોટો પર્દાફાશ કર્યો છે. ઉમેશ મકવાણાના દાવા મુજબ, ગત 14-8-2026 ના રોજ રાત્રિના સમયે પોલીસ કલ્પેશને ઉઠાવી ગઈ હતી. ત્યારબાદ તેને શારીરિક માર ન મારવા તેમજ કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ન કરવાના બદલામાં લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

ધારાસભ્યએ સીધો આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર કૌભાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોટાદ ભાજપના મોટા આગેવાનોની સંપૂર્ણ મિલીભગત છે. યુવકને કાયદાકીય સકંજામાંથી બચાવવાના નામે ભાજપના જ નેતાઓએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ તોડકાંડ પેટે ગારીયાધારથી આંગડિયા પેઢી મારફતે બોટાદમાં 40 થી 60 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મોકલવામાં આવી હતી. આ રકમ કટકે-કટકે 20-20 લાખના હપ્તામાં લેવાઈ હોવાનો દાવો કરાયો છે. સૌથી મોટો આક્ષેપ એ છે કે ભાજપના એક મહામંત્રી પોતે આંગડિયા પેઢીમાં જઈને આ પૈસા લાવ્યા હતા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ નક્કર પુરાવા તરીકે ઉપલબ્ધ હોવાનો દાવો મકવાણાએ કર્યો છે.

આ ઘટના બાદ ભોગ બનનાર યુવક અને તેના પરિવાર પર સતત ભારે દબાણ લાવવામાં આવી રહ્યું છે. ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે યુવકને મારી નાખવાની ગંભીર ધમકીઓ અપાઈ રહી છે. એટલું જ નહીં, આજે પણ ભાજપના એક મોટા નેતા યુવકના ઘરે ગયા હતા અને મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપવા માટે પરિવારને ધાકધમકી આપીને દબાણ કર્યું હતું. આ બાબત દર્શાવે છે કે ગુનેગારો સત્ય બહાર આવતા રોકવા માટે કોઈપણ હદે જવા તૈયાર છે.

આ સમગ્ર કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે ખુલાસો કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ જાણીજોઈને યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવે છે અને ત્યારબાદ પોલીસનો ડર બતાવીને તેમની પાસેથી લાખોનો તોડ કરે છે. તેમના મતે બોટાદ હાલમાં ગેરકાયદે ક્રિપ્ટો કરન્સીનું મોટું હબ બની ગયું છે. અગાઉ એસપી સાથેની સંકલન બેઠકમાં પણ આ અંગે રજૂઆત કરી ઓનલાઈન ગેમિંગના એડ્રેસ આપવામાં આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

પોતાના આક્ષેપો પ્રત્યે મક્કમતા દર્શાવતા ઉમેશ મકવાણાએ મીડિયા સમક્ષ મોટી જાહેરાત કરી છે કે જો તેમના આ તમામ દાવાઓ જરા પણ ખોટા સાબિત થાય, તો તેઓ પોતાના ધારાસભ્ય પદ પરથી તત્કાળ રાજીનામું આપી દેશે અને સંપૂર્ણપણે જાહેર જીવન છોડી દેશે. અંતમાં તેમણે દાવો કર્યો છે કે જો આ સમગ્ર કેસની સીબીઆઈ (CBI) દ્વારા ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો એક બહુ મોટા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

Comments
Post a Comment