Gujarat Weather: રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ ઉભી થઇ છે. આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસાપાસ રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાતા ઝડપી પવન અને વાવાઝોડુ ફૂંકાયુ હતુ, જેના કારણે વરિયાળી, એરંડા, બટાકા અને ઘઉં સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં મોટા ભાગના પાકો પલળી જતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

કચ્છ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ બરબાદીનો વરસાદ શરૂ થયો હતો, જેમાં ઠેક ઠેકાણે ઘઉંનો પાકો પલળી ગયો હતો. સાથે જ વરીયાળી, બટાકા સહિતના પાકને પણ નુકસાનીની ભીતી સેવાઇ છે. વહેલી સવારથી જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજ્યમાં ધૂળિયું વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલીક જગ્યાએ હૉર્ડિંગ્સ અને ઝાડ પણ ધરાશાયી થયા હતા. આંકડા પ્રમાણે, બનાસકાંઠામાં ધાનેરા અને લાખણીમાં 0.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત થરાદ, સુઈગામ, રાહમાં 0.16 ઈંચ વરસાદ, દિયોદરમાં 0.12 ઈંચ, ભાભરમાં 0.08 ઈંચ વરસાદ, અને વાવ અને ધરણિધરમાં 0.04 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

કચ્છમાં પણ માવઠા સાથે વાવાઝોડુ ત્રાટકતા લોકો મુશ્કેલીમાં મુકાય હતા. જિલ્લામાં રાપરના કેટલાક ગામોમાં ભારે પવન સાથે માવઠું થયુ હતુ. નખત્રાણા, ભુજ, માનકુવા, માધાપરમાં ભારે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ભચાઉ, ગાંધીધામમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અહીં પણ ખેડૂતો ચિંતિત છે કારણ કે, વરિયાળી, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે.

રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
હવામાન વિભાગની વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે કચ્છમાંભારે પવન સાથે વરસાદી ઝાપટા આવ્યાં હતા. નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં પણ તેજ પવન ફૂંકાયો હતો. ભચાઉ, રાપર, ગાંધીધામ અને ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણમાં સવારથી મોસમનો મિજાજ બદલ્યો હતો. ભારે પવન સાથે ધૂળભરી આંધી આવી હતી. પાટણ શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા સલામતીના ભાગરૂપે કેટલાક વિસ્તારમાં UGVCL તરફથી વીજ પુરવઠો બંધ કરી દેવા.ો હતો જેના કારણે વહેલી સવાર અંધારપટ્ટની સ્થિતિ સર્જાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી જ મૌસમનો મિજાજ બદલ્યો હતો. સુરેન્દ્રનગરના સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, શહેરમાં ભારે પવનને કારણે વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરી કરી દેતા અનેક વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો હતો.

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો છે. બહુચરાજી, મોઢેરા, ઉંઝા સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે.

બનાસકાંઠામાં સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, ધાનેરા સહિત દાંતીવાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો, ધાનેરા બોર્ડર વિસ્તારમાં આવેલ બાપલા, વાછોલ,કુંડી સહિત ના વિસ્તારોમાં મોસમનો મિજાજ બગડતાં ખેડુતો ચિંતિત થયા છે. ઘઉં, બટાકાં સહિતના પાકોમાં નુકશાનની ભીતિ સેવા રહી છે. કાપણીના સમય વરસાદ આવતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મૂકાયા છે.

Comments
Post a Comment