MBIT વિદ્યાર્થીઓએ રોબોફેસ્ટ ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું:₹7.50 લાખનું ઇનામ જીતી સંસ્થાનું ગૌરવ વધાર્યું
https://ift.tt/yaAeGFE ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત CVMU ની મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ના વિદ્યાર્થીઓએ ROBOFEST GUJARAT 5.0 – ગ્રાન્ડ ફિનાલેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ટીમને ₹7.50 લાખનું આકર્ષક ઇનામ પણ પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરની શ્રેષ્ઠ પ્રતિભાશાળી ટીમોએ ભાગ લીધો હતો. MBITની ટીમે નવીનતા, સર્જનાત્મકતા અને મજબૂત ટેકનિકલ અભિગમ દ્વારા પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું હતું. વિજેતા ટીમમાં સ્નેહ બ્રહ્મભટ્ટ, સ્નેહ મોરડિયા, શ્યામ પટેલ અને યાસ્મિન શેખનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ સંયુક્ત પ્રયત્નો, સતત મહેનત અને નવી ટેક્નોલોજી પ્રત્યેની લાગણીથી આ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમને શ્રી સુનિત પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે CVMUના પ્રેસિડેન્ટ અને CVMના ચેરમેન ભીખુભાઈ પટેલ, CVMના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ પટેલ, CVMUના પ્રોવોસ્ટ ડૉ. ઇંદ્રજીત પટેલ અને પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલે સમગ્ર ટીમ અને તેમના માર્ગદર્શકને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ સંસ્થાના શિક્ષણની ગુણવત્તા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેઓએ આશા વ્યક્ત કરી કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ આવી જ સફળતાઓ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ વધુ ઉજ્જવળ કરશે.
Comments
Post a Comment