Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો માટે આજે મતદાન, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ

<p>Gujarat Election 2026 Voting: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.</p> <p>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ જિલ્લામાં EVM ડિસ્પેચિંગની કામગીરી સંપન્ન કરવામાં આવી છે. દરેક સેન્ટર પર ઝોનલ ઓફિસરોએ પ્રિસાઈડિંગ ઓફિસરોને EVM અને VVPAT મશીનોની ફાળવણી કરી દીધી છે. જેની સંપૂર્ણ ચકાસણી બાદ સ્ટાફ નિર્ધારિત મતદાન મથકો પર પહોંચ્યા છે. 15 મહાનગરપાલિકાની કૂલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ છે. તો અન્ય વોર્ડમાં આજે મતદાન યોજાશે. 84 નગરપાલિકાની બે હજાર 324 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ થતા કાલે 603 બેઠકો પર મતદાન હાથ ધરાશે. જ્યારે જિલ્લા પંચાયતની એક હજાર 90 બેઠકો પૈકી 52 બેઠકો બિનહરીફ થતા એક હજાર 38 બેઠકો પર અને તાલુકા પંચાયતની પાંચ હજાર 234 પૈકી ચાર હજાર 976 બેઠકો પર મતદાન થશે. </p> <p>આજે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાનમાં ઉતરેલા 25 હજાર 537 જેટલા ઉમેદવારોના ભાવી EVMમાં સિલ થશે. મતદાનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાએ માહિતી આપતા કહ્યું કે મતદાનના દિવસે થ્રી લેયર સિક્યોરિટી એક્શન પ્લાન બનાવાયો છે. મતદાન મથકની સંવેદનશીલતા મુજબ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં એઆઈ ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. સીસીટીવી નેટવર્ક એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ મતદાન મથકો પર ચાપતી નજર રખાશે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર, લોકોને ગુમરાહ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તત્વો સામે કડક પગલા ભરાશે. મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.</p> <p>કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીક સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી, ધારાસભ્યો અને શહેરના નેતાઓ મળી કુલ 30 નેતાઓ મતદાન અમદાવાદમાં કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે. પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ઠક્કરબાપાનગર ખાતે મારુતિ પ્લાઝાની સામે સરદાર પટેલ સ્કૂલમાં મતાધિકારનો ઉપયોગ કરશે.</p>
Comments
Post a Comment