દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વલસાડ, નવસારી તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા-કોલેજોમાં રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. વલસાડમાં આંગણવાડી, તમામ શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં પણ આંગણવાડી, શાળાઓ, કોલેજો ઉપરાંત ITIમાં પણ રજા રાખવાનો આદેશ કરાયો છે.  સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં પણ સ્કૂલો, કોલેજો, આંગણવાડી અને ITI બંધ રાખ નિર્ણય લેવાયો છે.

ચીખલીમાં 24 કલાકમાં સાડા નવ ઈંચથી વધુ વરસાદ

નવસારી જિલ્લામાં આખી રાત મુશળધાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો ચીખલીમાં 9.61 ઈંચ, ખેરગામમાં 7.91 ઈંચ, ગણદેવીમાં 4.72 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર નવસારી પંથકમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

નેશનલ હાઈવે પર પાણી ભરાયા

વરસાદના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. નવસારી અને વલસાડ વચ્ચે તેમજ ચીખલી હાઈવે પર પાણી ભરાઈ જતાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. વાગલધારા પાસે હાઈવે પર પાણી ફરી વળતાં વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. ચીખલીથી વલસાડ તરફ જતી એસટી (ST) બસોને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે. નવસારીથી વલસાડ અને વલસાડથી ભિલાડ વચ્ચે અનેક જગ્યાએ રસ્તા પર પાણી ભરાયા હોવાથી, અતિ આવશ્યક કામ ન હોય તો આ માર્ગ પર પ્રવાસ ન કરવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.

વલસાડમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

વલસાડ શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 8.31 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડના એમ.જી. રોડ પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા. રસ્તાઓ જળમગ્ન બની જતાં અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ તથા ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ધરમપુરની તાન અને માન નદીમાં પણ જળસ્તરમાં વધારો થયો છે.

Comments
Post a Comment