Anand: આણંદ-બોરસદ માર્ગ પર આવેલ વાંસખીલીયા નજીક નિજાનંદ રિસોર્ટ પાસે મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના કુરચેકુરચા ઉડી ગયા હતા. આ ભયંકર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.

આ કરૂણ ઘટનામાં આણંદના નાપા વાંટા ગામના 19 વર્ષીય અરમાન રાણા અને સમીર રાણા તેમજ બોરસદના અંસાર ઝુબેર બેલીમનું ઘટનાસ્થળે જ અકાળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ યુવકો - નાપા વાંટાના તનવીર રાણા, બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે કરમસદ મેડિકલ અને આણંદ જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આશાસ્પદ યુવકોના અકાળે મોતથી બોરસદ અને નાપા ગામમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટના અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

લીંબડી-રાજકોટ હાઈવે પર મોડેલ સ્કૂલ નજીક ગંભીર અકસ્માત
લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લીંબડીથી સાયલા તરફ જઈ રહેલા ડમ્પર પાછળ મોડેલ સ્કૂલ નજીક સુરતથી જામનગર જઈ રહેલું ખાલી ટેન્કર ઘૂસી જતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં ડમ્પર ચાલક જીજ્ઞેશ રબારી, તેમનો ભાણો કુલદીપ તથા ટેન્કર ચાલક ઝુલ્ફીકાન્ત ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી બે 108 એમ્બ્યુલન્સની ટીમે, જેમાં પાયલોટ એચ.એસ. રાણા, ઈએમટી અશ્વિનસિંહ તેમજ પાયલોટ રાજેન્દ્રસિંહ અને ઈએમટી વસંતીબેન સામેલ હતા, તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, બંને વાહનોના ચાલકોને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી (MLC) પણ નોંધવામાં આવી છે.

ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

તો રવિવારે બનેલા એક અકસ્માતની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર અને રામોદ વચ્ચે એક કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટાટા નેક્સન કાર અને એક્ટિવા વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ પરિવાર પોતાના સ્વજનની ખબર કાઢવા જઈ રહ્યો હતો, તે દરમિયાન જ તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં 40 વર્ષીય જયેશભાઈ બગડા, તેમના 36 વર્ષીય પત્ની શાંતુબેન બગડા અને 13 વર્ષીય પુત્ર વ્રજ બગડાનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. માતા, પિતા અને ભાઈના અચાનક નિધનથી પરિવારની 16 વર્ષીય દીકરીએ એક જ ક્ષણમાં સમગ્ર પરિવારની છત્રછાયા ગુમાવી દીધી.

Comments
Post a Comment