gpsc new members appointment: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવાનો અને ઉમેદવારો માટે એક અત્યંત રાહત આપનારા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રને વધુ સુદઢ અને ગતિશીલ બનાવવાના હેતુથી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) માં મોટા પાયે ફેરફારો કર્યા છે. લાંબા સમયથી GPSC માં સભ્યોની અનેક જગ્યાઓ ખાલી પડેલી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એકસાથે 7 નવા સભ્યોની સત્તાવાર વરણી કરી છે. આ નિમણૂકો અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD), સચિવાલય, ગાંધીનગર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર જાહેરનામું (Notification) પણ બહાર પાડવામાં આવ્યું છે.

બંધારણીય જોગવાઈ મુજબ નિમણૂક

ભારતના બંધારણની કલમ 316(1) હેઠળ મળતી સત્તાની રૂએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા આ તમામ 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ, આ તમામ નવા નિયુક્ત સભ્યો જે તારીખથી પોતાનો હોદ્દો સંભાળશે, તે જ તારીખથી તેમની નિમણૂક સત્તાવાર રીતે અમલી બનેલી ગણાશે. આ નિમણૂકોમાં વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા વર્તમાન અને નિવૃત્ત IAS અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને તજજ્ઞોનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે.

GPSC ના નવા સભ્યોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

શ્રી કિશોર એલ. બચાણી, IAS (SCS: GJ: 2010)

શ્રી કે. સી. સંપટ, IAS (SCS: GJ: 2012)

શ્રી કે. એસ. વસાવા, પૂર્વ IAS (નિવૃત્ત)

શ્રી મયૂર કે. મહેતા, IAS (Selection: GJ: 2014)

શ્રી એચ. જે. પ્રજાપતિ, IAS (SCS: GJ: 2018)

શ્રી દીપકકુમાર અશોકભાઈ રાઠોડ (નિવૃત્ત અધીક્ષક ઇજનેર / Superintending Engineer)

ડૉ. શિશિર મનોહરભાઈ ત્રિવેદી

ખાલી જગ્યાઓ ભરાતા કામગીરીમાં આવશે તેજી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) માં છેલ્લા ઘણા સમયથી સભ્યોની નિમણૂક થઈ ન હતી. સભ્યોની મોટી ઘટ હોવાને કારણે આયોગની રોજિંદી પ્રક્રિયાઓ અને ખાસ કરીને વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની ભરતી માટેની મૌખિક મુલાકાત (ઇન્ટરવ્યૂ) ની પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હતી. ઘણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી પણ ઇન્ટરવ્યૂ માટે લાંબા સમયથી નિરાશા સાથે રાહ જોઈ રહ્યા હતા.

પરંતુ હવે, એકસાથે 7 નવા સભ્યોની નિયુક્તિ બાદ GPSC ની કામગીરીને નવો વેગ મળશે. વહીવટી અનુભવ ધરાવતા વરિષ્ઠ IAS અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ અને તજજ્ઞો આયોગમાં જોડાતા વિવિધ સરકારી ભરતી પરીક્ષાઓનું આયોજન, અટવાયેલા પરિણામોની જાહેરાત અને ઇન્ટરવ્યૂની કામગીરી ખૂબ જ ઝડપી અને વધુ પારદર્શક બનશે તેવી પૂરેપૂરી શક્યતા છે. યુવાનો લાંબા સમયથી આ નિમણૂકોની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે રાજ્ય સરકારના આ ત્વરિત પગલાંથી ઉમેદવારોમાં પણ નવી આશાનો સંચાર થયો છે.

Comments
Post a Comment