Shankersinh Vaghela controversial statement: ગુજરાતના રાજકારણમાં હંમેશાં પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ અંગે કરેલી ટિપ્પણીઓ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ત્રણ મુખ્ય સમાજોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ જ્યારે તેમની ચારેતરફ ટીકા થવા લાગી, ત્યારે વાઘેલાએ સ્પષ્ટતા કરતા પીછેહઠ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું છે કે પોતે કોઈ પણ સમાજના વિરોધી નથી, પરંતુ જિંદગીમાં ક્યારેય આ મુદ્દે માફી માંગવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

'મેં ડંકાની ચોટ પર વાત કહી છે'

પોતાના નિવેદનનો બચાવ કરતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મારી ગઈકાલની વાતનું વિના કારણ મોટું બવંડર ઊભું કરવામાં આવ્યું છે. ભાજપના લોકો મારા નિવેદનનો સાચો અર્થ સમજ્યા વગર જ મારી પાછળ મંડી પડ્યા છે." વાઘેલાએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે, "હું જે બોલ્યો છું, તે ડંકાની ચોટ પર જ બોલ્યો છું. મારું નિવેદન વાસ્તવમાં અનામત વિરોધી સરકારના સંદર્ભમાં હતું, કારણ કે હાલની ભાજપ સરકારને અનામતવાળા લોકો બિલકુલ ગમતા નથી. વર્ષો પહેલાં જે સમાજે મેલું ઉપાડવાનું અતિ કપરું કામ કર્યું છે, આજે મળતું અનામત એ ખરા અર્થમાં તેમનું વળતર છે."

શું હતો સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર રૂપિયા રોકડા આપીશ." આ સાથે તેમણે આદિવાસી સમાજની દયનીય સ્થિતિ અને તેમને સદીઓથી થયેલા અન્યાયનો ઉલ્લેખ કરીને અનામત વ્યવસ્થાને સંપૂર્ણપણે વ્યાજબી ઠેરવી હતી.

બ્રહ્મ સમાજનો રોષ: 'બાપુ મેલું ઉપાડે તો 5 લાખ આપીશું'

શંકરસિંહના આ નિવેદન બાદ સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રદેશ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ આકરા શબ્દોમાં પલટવાર કરતા જણાવ્યું હતું કે, "બાપુનું વ્યક્તિત્વ હંમેશાં વિવાદિત જ રહ્યું છે. આપણા દેશમાં મેલું ઉપાડવાની પ્રથા પર કાયદાકીય પ્રતિબંધ છે. શંકરસિંહે બીજાને શિખામણ આપવાને બદલે પોતાના ઘરથી જ શરૂઆત કરવી જોઈએ. જો શંકરસિંહ વાઘેલા મારા ઘરનું મેલું ઉપાડવા તૈયાર હોય, તો હું તેમને દર મહિને 5 લાખ રૂપિયા આપીશ."

બ્રહ્મ સમાજના અન્ય એક અગ્રણી હિરેન જોશીએ પણ આ નિવેદનની આકરી નિંદા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે વાઘેલા માત્ર મીડિયાની લાઈમલાઈટમાં રહેવા માટે જ્ઞાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ કરાવતા નિવેદનો આપે છે. માત્ર ચૂંટણી સમયે જ દેખાતા નેતાઓ આવા નિવેદનો આપે છે. જો તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચીને જાહેર માફી નહીં માંગે તો તમામ સમાજના અગ્રણીઓ એકઠા થઈને ઉગ્ર આંદોલન છેડશે.

Comments
Post a Comment