Gujarat weather forecast: દિવાળીના તહેવારો ટાણે જ રાજ્યના ધરતીપુત્રો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 29 અને 30 ઑક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ એટલે કે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. પાકની લણણી અને ખરીફ ઉપજ સાચવવાના સમયે જ વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતાથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ વાતાવરણમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic Circulation) અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થયા છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસર હેઠળ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.

કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ?

29 ઑક્ટોબર: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા તથા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

30 ઑક્ટોબર: વરસાદનો વ્યાપ વધીને સૌરાષ્ટ્ર સુધી પહોંચવાની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા તથા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

ખેતરોમાં હાલ પાક તૈયાર હોવાથી કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે હવામાન વિભાગ અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી છે.

19 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

દેશભરમાં હવામાનનો મિજાજ ફરી એકવાર ગંભીર વળાંક લઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલા તાજા અપડેટ મુજબ, આગામી 15 કલાકમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતના 19 જેટલા રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાની પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ગંભીર ચક્રવાતી તોફાન 'અર્ણબ' અને બીજી તરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ—આ બંને સિસ્ટમની સંયુક્ત અસરથી દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી 31 ઑક્ટોબર સુધી વ્યાપક અસર જોવા મળશે.

વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90 થી લઈને 150 કિમી/કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે માછીમારોને તાકીદે દરિયો ન ખેડવા અને કિનારે પાછા ફરવાની કડક સૂચના આપી છે, જ્યારે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરાઈ છે.

ચક્રવાત 'અર્નબ' લેન્ડફોલ અપડેટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ‘અર્ણબ’ 28 ઑક્ટોબરના રોજ બપોર પહેલાં આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેથી પસાર થઈને યાનમ અને આંધ્રના તટીય વિસ્તારોને પાર કરે તેવી પ્રબળ શક્યતા છે. આ લેન્ડફોલ દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

Comments
Post a Comment