Gujarat school wellness team: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ મોટો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આજકાલ પરીક્ષા અને ભણતરના વધતા જતા ભારણને કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.

આ સમસ્યાને ગંભીરતાથી લઈને સરકારે ધોરણ 9 થી 12 ની શાળાઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવેથી શાળાઓમાં માત્ર વિદ્યાર્થીઓના માર્ક્સ પર જ નહીં, પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

શિક્ષણ બોર્ડના નિયમોમાં મોટો ફેરફાર

શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974 માં નવો વિનિયમ-16(અ) ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને NCERT ના 'UMMEED' (ઉમ્મીદ) મોડલ પર આધારિત છે.

આનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ આપવાનો અને આત્મહત્યા જેવા ગંભીર બનાવોને અટકાવવાનો છે. નિયમ મુજબ, જો કોઈ વિદ્યાર્થી હતાશા કે તણાવમાં હોય, તો તેની વહેલી ઓળખ કરીને તેને યોગ્ય સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે.

દરેક શાળામાં બનશે 'સ્કૂલ વેલનેસ ટીમ' અને 'મનો-મિત્ર'

નવા નિયમ મુજબ, રાજ્યની દરેક નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક 'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT) બનાવવી ફરજિયાત રહેશે. આ ટીમના લીડર તરીકે શાળાના આચાર્ય રહેશે.

આ ટીમમાં શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાંથી જ પસંદ કરાયેલા 'મનો-મિત્ર' (પીઅર મોનિટર) સામેલ હશે. આ 'મનો-મિત્ર' સાથી વિદ્યાર્થીઓને ભાવનાત્મક ટેકો આપશે અને તેમના પ્રશ્નો સાંભળશે.

આ ઉપરાંત, જે શાળામાં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હશે, ત્યાં એક લાયકાત ધરાવતા કાઉન્સેલર અથવા મનોવૈજ્ઞાનિકની નિમણૂક કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. 100 થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળાએ નજીકના આરોગ્ય કેન્દ્ર સાથે જોડાણ કરવાનું રહેશે.

માર્ક્સ કે પરિણામના આધારે ભેદભાવ પર પ્રતિબંધ

આ નવી જોગવાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓના માર્ક્સ કે શૈક્ષણિક દેખાવના આધારે તેમને અલગ બેસાડી શકાશે નહીં. વર્ગખંડમાં કોઈ પ્રકારનું વિભાજન (સેગ્રીગેશન) કરી શકાશે નહીં.

ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન કરવું કે અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરીને તેને નીચો દેખાડવો તે હવે ગુનો ગણાશે. શાળાએ વિદ્યાર્થીઓનું ગૌરવ જળવાય તેવું સકારાત્મક વાતાવરણ ઊભું કરવું પડશે.

વિદ્યાર્થીઓનું મન પ્રફુલ્લિત રહે તે માટે રમતગમત, યોગ, ધ્યાન, સંગીત અને એન.સી.સી. જેવી ઈતર પ્રવૃત્તિઓ નિયમિત કરાવવી પડશે. તેમજ શાળામાં હેલ્પ બોક્સ અને ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરો પણ ફરજિયાત દર્શાવવા પડશે.

શિક્ષકોને અપાશે ખાસ તાલીમ અને કડક કાર્યવાહી

આ નિયમોના પાલન માટે શાળાના તમામ સ્ટાફને વર્ષમાં 2 વાર માનસિક સ્વાસ્થ્ય અંગેની ખાસ તાલીમ આપવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થીમાં આપઘાતના કે હતાશાના લક્ષણો દેખાય, તો તેને તાત્કાલિક સાયકોલોજિકલ ફર્સ્ટ એઈડ આપવી પડશે.

જો શાળાની બેદરકારીને કારણે કોઈ વિદ્યાર્થી ગંભીર નુકસાન કે આત્મહત્યાનો શિકાર બનશે, તો તેને 'સંસ્થાકીય દોષ' (Institutional Fault) ગણવામાં આવશે. આવા કિસ્સામાં જવાબદાર શાળા સંચાલકો કે અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

કલેક્ટરની દેખરેખ હેઠળ થશે કડક મોનિટરિંગ

વિદ્યાર્થીઓની કોઈ પણ ખાનગી માહિતી કે કાઉન્સેલિંગની વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની રહેશે. તેમજ શાળામાં રેગિંગ, સાયબર બુલિંગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવને રોકવા માટે એક મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવી પડશે.

આ સમગ્ર માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે કે નહીં, તે જોવા માટે જિલ્લા સ્તરે એક ખાસ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવશે. જેના અધ્યક્ષ તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કલેક્ટર રહેશે અને તેમના આદેશોનું પાલન તમામ શાળાઓ માટે ફરજિયાત રહેશે.

Comments
Post a Comment