
<p>ગુજરાતના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક રાજકીય નેતાઓના પુત્રોએ રાજકારણમાં પોતાની સક્રિયતા વધારી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓના પુત્રોની રાજકીય સક્રિયતા ખાસ ચર્ચાનો વિષય બની છે. આગામી ચૂંટણીમાં આ ત્રણેય નેતાઓના પુત્રો ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી અટકળો તેજ બની છે. જેમાં કુંવરજી બાવળિયાના પુત્ર ડો. મનીષ બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક અને પ્રવાસ વધારતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ, ગોંડલ બેઠક પરથી પોતાના પુત્ર ગણેશસિંહ જાડેજાને ચૂંટણી લડાવવાની જયરાજસિંહ જાડેજાની તૈયારી હોવાની ચર્ચા છે. ગણેશસિંહ જાડેજા ગોંડલ વિસ્તારમાં પહેલેથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. આ ઉપરાંત રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ચૂંટણી લડી શકે તેવી અટકળો પણ ચાલી રહી છે. આમ, સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા આગામી ચૂંટણીમાં પોતાના પુત્રોને ટિકિટ અપાવવા માટે અત્યારથી જ રાજકીય લોબિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં તેજ બની છે.</p>
Comments
Post a Comment