<p><strong>GIDC Amnesty Scheme:</strong> ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વધુ વેગ આપવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના MSME ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી લાંબા સમયની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે નવી 'GIDC એમ્નેસ્ટી સ્કીમ' અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ભૂતકાળમાં GIDC ના પ્લોટ ધારકો ઔદ્યોગિક પ્લોટ કે શેડની ફેરબદલી વખતે રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવાને બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટના આધારે વ્યવહારો કરતા હતા, જેના કારણે મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી રહી જતી હતી. તાજેતરમાં 2 એપ્રિલ, 2025 ના રોજ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 માં સુધારો કરવામાં આવ્યો, જે 10 એપ્રિલ, 2025 થી લાગુ થયો. આ કડક નિયમ મુજબ, જૂના દસ્તાવેજો રજૂ કરવા પર દર મહિને 2 થી 3 ટકા લેખે સાદું વ્યાજ અને મૂળ ડ્યુટીના 4 થી 6 ગણા સુધીનો તોતિંગ દંડ વસૂલવાની જોગવાઈ છે. આનાથી વર્તમાન પ્લોટ માલિકો પર લોન લેતી વખતે અસહ્ય આર્થિક ભારણ આવતું હતું.</p...